Sta-1 To 8 Song's


ધોરણ 1 થી 8 ની કવિતાઓ
                
એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી.
 
 
  • તને ઓળખું છું, મા (ધોરણ , કાવ્ય ૪)
તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !
ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,
મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….
તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?
સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….
તને ઓળખું છું, મા !
કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી
 
  • ધૂળિયે મારગ (ધોરણ , કાવ્ય ૬)
કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કેતા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !
કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી સાહિત્ય પરિષદ)
કવિ પરિચય :
મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી પ્રતિભા પરિચય)

No comments:

Post a Comment