Jan 7, 2013



વી જાઓ, કેટલુ જોર છે મારામા ?




પ્રાર્થના એટલે મનની શાંતિ



       પ્રત્યેક ધર્મમાં લૌકિકથી અલૌકિક તરફ જવાની પ્રવૃત્તિ તે પ્રાર્થના છે. શાળાથી માંડીને વૃદ્ધાવસ્થાના અંતિમ છેડા સુધી તથા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ પરોક્ષ પ્રકારે પાર્થનાને લય તો પરોવાયેલો જોવા મળે જ છે અને તે જ વ્યકિતને પોતાનું ઘર મંદિર સમાન હોવા છતાં દેવાલય તરફ જવા પ્રેરે છે.
           કેમકે ત્યાં પગ મુકતાની સાથે જ એક અદ્ભુત વાતાવરણ ચિરીને સ્પર્શી જાય છે. તથા ત્યાંથી ખસવાનું મન પણ થતું નથી. હા, ઈશ્વરી પરિબળો, પોતપોતાનાં આરાધ્ય દેવો અર્થાત્ શ્રદ્ધાવાન ચહેરાઓ ચિત્તમાંથી ખસવા તૈયાર જ નથી કારણ કે અસામાન્ય માણસ કરતાં તેઓ અનેક માત્રામાં વિશેષ સ્થાન ધરાવે છે.આમ જોઈએ તો સમજતાં તથા તેઓ પ્રત્યે પ્રેમવર્તન કરવાનું પ્રેરક બળ પ્રાર્થના જ શીખવે છે. ઘરમાં મા કે દાદીમાં પાસે બેઠેલું બાળક આ શાળાની પ્રાર્થનામાં આંખો બંધ કરીને બંને હાથ જોડીને કંઈક ગણગણતું બાળક જયારે તેને આવડે તેવી પ્રાર્થના કરે છે ત્યારે કેવું અદ્ભુત રીતે ખોવાઈ જાય છે. આખોયે દિવસોના કલાકોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરનારા યુવક યુવતીઓ, ભાવિકો તથા અન્ય સર્વે જયારે જયારે સમય મળે છે ત્યારે પળવાર કે યથાસમયે મંદિરોમાં જઈને કે દેરાસરમાં જઈને કે અન્યત્ર ધર્મસ્થળોએ જઈને જે કંઈક પણ પ્રાર્થે છે તેમનાં ચિત્તમાં પ્રકાશ જ પ્રાર્થી આવે છે. આમ, સવિશેષ આપણો ભારતીય પ્રભુ પ્રત્યેની આરાધના, તેમના પ્રત્યેના અહોભાવની પ્રસ્તાવના અર્ચના કે પ્રાર્થના કોઈને કોઈ પ્રકારે કરતાં જ રહે છે.
          આનું કારણ એ જ કે પ્રત્યેક ભાવકને રહસ્યલોક પ્રત્યેનું ખેંચાણ છે જ આથી જ પોતાના જીવતરને સાર્થક કરવા માટે પ્રાર્થના આલંબન છે રહસ્યલોકની કેડી જ છે.આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે જેમાં પ્રાર્થનાનો પ્રત્યેકને અપનાવવો ગમે છે. જીવન અને પ્રવૃત્તિઓનું પરિણામ પણ પ્રાર્થના કરનાર જાણે જ છે માટે જ પ્રત્યેકને રહસ્યલોકની કેડીએ ચાલવું ગમે છે તેમજ આ માટે તેઓ શ્રી ગણેશ કરે છે પ્રાર્થનાને પોતાના જીવનમાં સાદર અપનાવીને.



આપત્તિ બની સંપત્તિ


કુમારપાળ દેસાઈ


[‘અખંડ આનંદમાંથી સાભાર.]


       આપત્તિ કદી એકલી આવતી નથી. એ આવે ત્યારે એની આખી ફોજ સાથે લઈને આવે છે. કેરાલાના ઈ. પિતાંબરન પવિત્રનના સુખી જીવનમાં આવી રીતે એક પછી એક આપત્તિનાં વાવાઝોડાં આવતાં રહ્યાં. એના જીવનમાં પહેલાં સુખનો સૂરજ ઊગ્યો. કેરાલાના કવીલોન જિલ્લાના અદૂર નામના નાનકડા ગામમાં એ રહેતો હતો. એણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. કાલિકટ એન્જિનિયરિંગ કૉલેજમાં એ તેજસ્વી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. આ પછી એ ભારતીય સૈન્યમાં જોડાયો. બાંગ્લાદેશના યુદ્ધનો સમય આવ્યો. 1971ના યુદ્ધ વખતે ઈ. પિતાંબરન પવિત્રન ઈલેક્ટ્રિકલ ઍન્ડ મિકૅનિકલ એન્જિનિયરિંગ કોર્પ્સમાં નાયકનો હોદ્દો ધરાવતો હતો. એની કામગીરી એટલી સુંદર હતી કે 1971માં એને ઈ.એમ.ઈના શ્રેષ્ઠ ઈલેટ્રિશ્યન તરીકે જાહેર કરવામાં આવ્યો.

      આમ આ યુવાન સુખની ટોચ પર હતો ત્યાં જ આપત્તિની આંધી આવી. એ મોટરસાઈકલ પર 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે પોતાની ફરજ બજાવવા જતો હતો ત્યાં તેના પગે એક ગોળી વાગી. એ ગબડી પડ્યો. મોટરસાઈકલ ફંગોળાઈ ગઈ. પવિત્રનને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે એ બેભાન હતો. એનો એક પગ લગભગ છુંદાઈ ગયો હતો. જમણા હાથ પર ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરને તાત્કાલિક ઑપરેશન કરવાની જરૂર લાગી. એનો એક પગ નિતંબના સાંધામાંથી કાપી નાખવામાં આવ્યો. જમણા હાથમાં એક સળિયો નાખવામાં આવ્યો. પવિત્રન ભાનમાં આવ્યો ત્યારે પોતાની હાલત જોઈને એ ધ્રૂજી ઊઠ્યો. શરીર ભાંગી નાખે તેવી ઈજાઓ થઈ હતી. હવે મન ભાંગી નાખે તેવી ઈજાઓ શરૂ થઈ. પવિત્રનની પત્નીનું એકાએક અવસાન થયું. બે નાનાં બાળકોને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી આ જુવાનને માથે આવી પડી. પવિત્રનને માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો. એમાં એના ઉપરી અધિકારીઓની અવગણનાથી એને ભારે આઘાત લાગ્યો. આ અધિકારીઓ એને હવે ટેકનિકલ કામ માટે સાવ નકામો માનતા હતા. એની કોઈ વાત કાને ધરાતી નહીં. આ સમયે પવિત્રને મનમાં પાકો નિર્ધાર કર્યો કે પોતે લંગડો ઘોડો નથીતેટલું તો આ બધાને બતાવી દેવું !

     એણે લાકડાનો કૃત્રિમ પગ લગાવ્યો. ધીરે ધીરે ચાલવાનું શરૂ કર્યું. એવામાં એણે પુણેથી કન્યાકુમારી સુધીની સાઈકલ સ્પર્ધાના સમાચાર વાંચ્યા. એમાં એકવીસ રાજ્યોમાં પસાર થઈને ચોવીસ હજાર કિલોમીટરનું અંતર કાપવાનું હતું. સાઈકલ સ્પર્ધાના જાણીતા ખેલાડીઓ આમાં ઝુકાવવાના હતા, પણ એમનેય પોતે આટલું લાંબું અંતર કાપી શકશે કે કેમ એની ખાતરી નહોતી. પવિત્રને આ સ્પર્ધામાં ઝુકાવવાનું નક્કી કર્યું. કેટલાકે એની મજાક કરી, કોઈકે એને શેખચલ્લી કહ્યો પરંતુ પવિત્રન એના નિર્ણયમાં મક્કમ રહ્યો.

       લાંબી સાઈકલ સ્પર્ધા કે મોટર સ્પર્ધા માટે આ પ્રકારની મોટર કે સાઈકલ બનાવવી પડે. એનું ઉત્પાદન કરનારી કોઈ કંપની આ માથે લે તો જ આવી મોંઘી અને વિશિષ્ટ સાઈકલ કે મોટર બની શકે. પવિત્રને આ માટે ઘણા સાઈકલ-ઉત્પાદકો પાસે ટહેલ નાખી. માત્ર એક પગના જોરે આટલી લાંબી સાઈકલ સ્પર્ધામાં જીતી શકે એ માનવા જ કોઈ તૈયાર ન હતું. આથી સાઈકલ બનાવનારી કોઈ કંપની પવિત્રન માટે સાઈકલ બનાવવા તૈયાર ન થઈ. જિંદગીની મુશ્કેલીઓથી નહીં હારેલો પવિત્રન સાઈકલની મુશ્કેલીથી ડરી જાય ખરો ? એણે વિચાર્યું કે આપ સમાન બળ નહીં.એ પોતે જ સાઈકલ તૈયાર કરવા લાગ્યો. આખરે પવિત્રને લાંબા અંતર માટે એક ખાસ પ્રકારની સાઈકલ બનાવી. આમેય એ એન્જિનિયર હતો. એની જરૂરિયાત પ્રમાણે કેવી સાઈકલ બનાવવી તે સારી રીતે જાણતો હતો.

      1982ની 12મી ઑક્ટોબરે પુણેથી આ અત્યંત લાંબી સાઈકલ સ્પર્ધાનો પ્રારંભ થયો. દેશના તેત્રીસ જેટલા સાઈકલ વીરોએ આમાં ભાગ લીધો. આમાં એકલો પવિત્રન જ વિકલાંગ હતો, બાકીના બધા મજબૂત શરીર ધરાવનારા હતા. પણ પવિત્રને પોતે વિકલાંગ છે એવી વાત જ મનમાંથી કાઢી નાખી હતી. એની નજર તો 24,000 કિલોમીટરના લાંબા અંતરને પસાર કરવા પર હતી. આ સાઈકલ સ્પર્ધા દરમિયાન ચંબલનાં કોતરોમાંથી પસાર થવાનું હતું. ઊંચા ઊંચા કોતરો વચ્ચેથી ભેંકાર રસ્તા પરથી પસાર થતાં ભલભલા ડરી જાય. એમાં પણ ચંબલનાં કોતરોમાં ડાકુઓનો ભય પણ એટલો જ. પવિત્રનને તો કોઈ ભય સ્પર્શે તેમ નહોતો. એની નજર તો સાઈકલ પર એક પછી એક રાજ્ય પસાર કરવા પર હતી.

      ચંબલનાં ઊંચા ઊંચા કોતરો વચ્ચેથી પવિત્રન પસાર થતો હતો ત્યાં એક ભેંકાર જગ્યાએ ડાકુઓએ એને પડકાર્યો અને આંતર્યો. પવિત્રન ઊભો રહ્યો. ડાકુઓએ જોયું કે આની પાસે તો કોઈ શસ્ત્ર જ નથી. આથી એ સામનો કરે એવી દહેશત રહી નહીં. ડાકુઓએ નજીક આવીને પવિત્રનની એકએક ચીજ છીનવી લેવા માંડી. એકલો પવિત્રન આટલા બધા ડાકુઓ વચ્ચે કરે પણ શું ? એવામાં ડાકુ ટોળીની સરદાર ફૂલનદેવી આવી પહોંચી. ચંબલનાં કોતરોમાં ડાકુરાણી ફૂલનદેવીની ભારે ધાક હતી. એના સાથીઓ બે બાજુએ ખસી ગયા. ડાકુરાણી ફૂલનદેવીને આશ્ચર્ય થયું કે આવાં કોતરોમાં કશાય શસ્ત્ર વિના એકલા નીકળવાનું સાહસ આ માણસે કેમ કર્યું હશે ! એણે પવિત્રનને સત્તાવાહી અવાજે પૂછ્યું ત્યારે પવિત્રને હિંમતભેર પોતાની વાત કરી. પોતાનો લાકડાનો કૃત્રિમ પગ પણ બતાવ્યો. આ સાંભળીને ફૂલનદેવીએ પવિત્રનને એની બધી ચીજવસ્તુઓ પાછી આપી દીધી. એના સાહસ અને હિંમતને બિરદાવ્યાં, એટલું જ નહીં પણ બક્ષિસ રૂપે બસો રૂપિયા આપ્યા. પવિત્રને લેવાની ના પાડી, પરંતુ આ ડાકુરાણીએ આગ્રહભેર એ રકમ એના ખિસ્સામાં મૂકી દીધી. આવા જીવસટોસટના બનાવોમાંથી પવિત્રન પસાર થયો. એના બીજા હરીફોમાંથી કોઈ બાર હજાર કિલોમીટરથી વધુ અંતર કાપી શક્યા નહીં. પવિત્રન રોજનું સરેરાશ ત્રણસો કિલોમીટર અંતર કાપતો હતો અને ભારતનાં એકવીસ રાજ્યોમાંથી પસાર થઈને ચોવીસ હજાર કિલોમીટરનું અંતર અઠ્ઠાવન દિવસમાં પસાર કર્યું. એક માત્ર પવિત્રન જ આ સ્પર્ધાનું તમામ અંતર પૂરું કરી શક્યો.

      પવિત્રનની આ સિદ્ધિએ સહુની આંખ ખોલી નાખી. એણે સાઈકલ પર વિશ્વ-પ્રવાસ કરવાનું વિચાર્યું ત્યારે સાઈકલ બનાવનારની કેટલીક કંપનીઓ સામે ચાલીને સાઈકલ બનાવી આપવા માટે પડાપડી થવા લાગી. પવિત્રને બતાવી આપ્યું કે ગમે તેટલી મુશ્કેલીઓ અને નિષ્ફળતામાં જો માનવી મન અડગ રાખે તો જરૂર એની જીત થાય છે ! પવિત્રન હવાઈ છત્રીદળના સભ્ય તરીકે ફરી કાર્ય કરવા લાગ્યો. ઊંચા આકાશમાં વિમાનમાંથી નીચે કૂદીને લશ્કરી કામગીરી બજાવતા સૈન્યમાં એક પગવાળો પવિત્રન અનોખો માનવી બની રહ્યો. જગતની અદ્વિતિય સિદ્ધિઓની નોંધ રાખનારા ગિનેસ બુક ઓફ રેકોર્ડમાં પવિત્રનને સ્થાન મળ્યું. ભારત સરકારે મજબૂત મનોબળ ધરાવતા પવિત્રનને અર્જુન એવોર્ડએનાયત કર્યો. પવિત્રન ભૂતકાળની સિદ્ધિઓ વાગોળવામાં માને નહીં. નવી સિદ્ધિઓ રચવાનાં એને સ્વપ્નાં આવે. કૅનેડા દેશના ઓટાવા શહેરમાં વીસ હજાર કિલોમીટરની સાઈકલ સ્પર્ધા થઈ. એક પગવાળા પવિત્રને બે પગ ધરાવનારાઓ કરતાં વધુ હિંમત અને સાહસ સાથે આમાં ઝુકાવ્યું. એણે માત્ર 24 કલાકમાં 600 કિલોમીટર સાઈકલ-સફર કરીને નવો વિક્ર્મ સર્જ્યો.

       કોઈ સાહસનો વિચાર આવે અને પવિત્રન અટકે ખરો ? એને પછડાટ ન લાગે તેવાં રબરનાં સાધનો સાથે નાયગ્રા ધોધમાં ઝંપલાવ્યું. હવે એની ઈચ્છા કોઈ પણ સાધન વિના નાયગ્રા ધોધમાં ઝંપલાવવાની છે. એ કહે છે : હું જીવીશ તો મહાન સિદ્ધિ મેળવી ગણાશે, અને નહીં તો નાયગ્રા ધોધ મારી કબર બનશે.






No comments:

Post a Comment